Friday, February 26, 2010

આઘુનિક અમદાવાદના પહેલા ઇતિહાસકાર મગનલાલ વખતચંદ શેઠ




છસો વર્ષ પહેલાં વસેલા અને રાજકીય ચડતીપડતી જોઇ ચૂકેલા અમદાવાદ શહેરની તથા તેનાં મુસ્લિમ રાજઘરાણાંની તવારીખો ઠીકઠીક પ્રમાણમાં મળી રહે છે, પણ ત્યાર પછીના મરાઠા અને અંગ્રેજી શાસનનો ગુજરાતીમાં ઇતિહાસ લખવાનું મોટું કામ મગનલાલ વખતચંદ શેઠે કર્યું.

તેમણે ૧૮૫૧માં લખેલો ‘અમદાવાદનો ઇતિહાસ’ એ રીતે અમદાવાદની તવારીખ કહો કે અમદાવાદની અસ્મિતા, તેમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.

નવાઇની વાત એ છે કે દોઢ સદી પહેલાં, આજના જેવાં સાધનસામગ્રીના અભાવ છતાં, અમદાવાદનો વિગતવાર ઇતિહાસ લખતી વખતે મગનલાલની ઊંમર ફક્ત ૨૦ વર્ષ હતી. ઇ.સ. ૧૮૩૦માં જન્મેલા મગનલાલ શેઠ ઇ.સ.૧૮૪૬માં ભદ્રમાં શરૂ થયેલી સરકારી ઈંગ્લિશ સ્કૂલના પહેલી બેચના વિદ્યાર્થી હતા. એ સમયે મેટ્રિકની પરીક્ષા આપવા માટે મુંબઇ જવું પડતું હતું અને મુંબઇ જવાનો મતલબ ‘રાત્રે ટ્રેનમાં બેસીને સવારે મુંબઇ સેન્ટ્રલ ઉતરી પડવું’ એવો સીધોસાદો ન હતો. મુંબઇ-અમદાવાદ ત્યારે રેલવે લાઇનથી જોડાયાં ન હતાં, એટલે મુંબઇ પહોંચવા માટે ગાડું અને હોડી જેવાં પરંપરાગત સાધનો સિવાય બીજો આરો ન હતો. એ જોતાં બોર્ડની પરીક્ષા વધારે અઘરી કહેવાય કે મુંબઇ પહોંચવાનું વઘુ કઠણ, એવો સવાલ અત્યારે થઇ શકે.

એવા કપરા સંજોગોમાં પણ મગનલાલે મુંબઇ જઇને મેટ્રિકની પરીક્ષા આપી. એટલું જ નહીં, તેમાં સારી રીતે પાસ થયા. મેટ્રિક સુધી પહોંચવું અને તેમાં પાસ થવું કેટલું અઘરૂં હતું, તેનો ખ્યાલ મેળવવા માટે એટલું જાણી લઇએ કે પરાં સહિત લગભગ સવા બે માઇલનો વિસ્તાર અને આશરે ૯૧ હજારની વસ્તી ધરાવતા અમદાવાદમાંથી ફક્ત બે જ વિદ્યાર્થીઓ મેટ્રિકની પહેલી પરીક્ષામાં પાશ થયા હતા.

મગનલાલ ભદ્રની જે ઈંગ્લિશ સ્કૂલમાં ભણ્યા તેના ટીચીંગ સ્ટાફમાં આચાર્ય ગણો કે શિક્ષક, ફક્ત એક જ સાહેબ હતા ઃ ભોગીલાલ પ્રાણવલ્લભદાસ. ઇ.સ.૧૮૪૯માં વિદ્યાર્થીઓની સંખ્યા વઘ્યા પછી સરકારી રાહે ‘આસિસ્ટન્ટ માસ્તર’ની પોસ્ટ ઉભી કરવામાં આવી. તેના માટે તાજા મેટ્રિક થયેલા અને એ જ સ્કૂલના વિદ્યાર્થી મગનલાલ વખતચંદ શેઠની પસંદગી થઇ. એટલે વીસમું વરસ બેસે તે પહેલાં જ મગનલાલ મહિને રૂ,૫૦ના માતબર પગારથી આસિસ્ટન્ટ માસ્તર બની ગયા.

ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ત્યારે નવી સ્થપાયેલી સંસ્થા હતી. ૧૯૪૮માં ગુજરાત-ગુજરાતીના પ્રેમી અંગ્રેજ અફસર એલેક્ઝાન્ડર ફોર્બ્સનું પ્રોત્સાહન તેના પાયામાં હતું. વર્નાક્યુલર સોસાયટીએ ગુજરાતી વિદ્વાનોને પ્રોત્સાહન આપવાના હેતુથી ઇ.સ.૧૮૫૦માં અમદાવાદનો ઇતિહાસ લખાવવાનું નક્કી કર્યું. મગનલાલ શેઠ એ વખતે માંડ ૨૦ વર્ષના હતા, પરંતુ વિદ્વત્તા અને ઊંમર વચ્ચે સંબંધ હોવો બિલકુલ જરૂરી નથી. વર્નાક્યુલર સોસાયટીની ઇનામી સ્પર્ધાના પ્રતિભાવમાં મગનલાલ શેઠે જૂનાં અંગ્રેજી અને મરાઠી પુસ્તકોનો અભ્યાસ કરીને લખેલો ‘સેહેર વસું તે દીવસથી તે આજદીન સુધીનો’ (૧૮૫૦ સુધીનો) ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઠર્યો.

મગાનલાલને એ પુસ્તક લખવા બદલ રૂ.૫૦નું ઇનામ મળ્યું. રૂ.૫૦ એ વખતે કેટલી મોટી રકમ હતી, એનો ખ્યાલ ચીજવસ્તુઓના ભાવતાલ પરથી આવી શકે છેઃ ત્યારે એક રૂપિયામાં ૨૩ શેર ઘઊં અથવા ૨૫ શેર કમોદ ચોખા અથવા ૨૮ શેર બાજરી મળતી હતી. ઘોઘાથી મુંબઇની દરિયાઇ મુસાફરીનું ભાડું એક રૂપિયો હતું અને ફક્ત પાંચ રૂપિયાના ખર્ચમાં વિદ્યાર્થી ભણીગણીને નામું લખે એવો તૈયાર થઇ જતો હતો.

અમદાવાદનો ઇતિહાસ લખ્યા પછી મગનલાલને ગુજરાતનો ઇતિહાસ લખવાનું કામ પણ સોંપવામાં આવ્યું. ભારતને લૂંટવામાં કોઇ કસર ન છોડનારા અંગ્રેજોની આ એક ખૂબી હતી. કેટલાક વિદ્યાવ્યાસંગી અને ઇતિહાસ-સંસ્કૃતિપ્રેમી અંગ્રેજ અધિકારીઓને કારણે જ ‘અમદાવાદનો ઇતિહાસ’ જેવા ગ્રંથો આપણને મળી શક્યા. અમદાવાદનો ઇતિહાસ લખવા માટે રૂ.૫૦નું ઇનામ મેળવનાર મગનલાલને પાઠ્યપુસ્તક તરીકે ગુજરાતનો ઇતિહાસ લખવા માટે રૂ.૨૦૦ જેવી મોટી રકમ ચૂકવાઇ હતી.

નર્મદથી ૩ વર્ષ મોટા મગનલાલ શેઠ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં કવિ દલપતરામના સિનિયર હતા. દલપતરામ સાથે પરિચય થયો તે પહેલાં એલેક્ઝાન્ડર ફોર્બ્સ મગનલાલની આવડતના પ્રશંસક બની ચૂક્યા હતા. તેમના સૂચનથી જ, વર્નાક્યુલર સોસાયટીમાં આસિસ્ટન્ટ સેક્રેટરીની જરૂર પડી ત્યારે મગનલાલને એ પદે નીમવામાં આવ્યા. તેમણે થોડા સમય માટે વર્નાક્યુલર સોસાયટીના વિખ્યાત સામયિક ‘બુદ્ધિપ્રકાશ’ના સંપાદક તરીકેની જવાબદારી પણ સંભાળી.

ફક્ત ૩૮ વર્ષની કાચી વયે મગનલાલનું અવસાન થયું, પણ ત્યાં સુધીમાં તેમણે કારકિર્દીનાં ઘણાં શીખર સર કર્યાં હતાં. માસિક રૂ.૧૨૫ના પગારે તે અમદાવાદ મ્યુનિસાપાલિટીના સેક્રેટરી બન્યા અને ટેક્સ કલેક્ટરનો હોદ્દો પણ શોભાવ્યો. ખાનગી કંપનીઓમાં અમદાવાદ કોટન ક્લિનિંગ કંપનીના ડિરેક્ટર અને અમદાવાદ કોમર્શિયલ કંપની લિમિટેડના ઓડિટર બન્યા. એ જ્યારે રોયલ બેન્કના એજન્ટ બન્યા ત્યારે તેમનો માસિક પગાર રૂ.૫૦૦ હતો, જે કોઇ પણ હિસાબે અધધ કહેવાય એવી રકમ હતી.

આઘુનિક અમદાવાદના પહેલા ઇતિહાસની પહેલી આવૃત્તિ વર્નાક્યુલર સોસાયટીએ ૧૮૫૦માં પ્રસિદ્ધ કરી હતી, પણ મગનલાલના અકાળે અવસાન પછી તેમનું નામ લુપ્ત થતું ચાલ્યું. ઇ.સ.૧૯૨૮માં અમદાવાદનો દળદાર ઇતિહાસ (ગુજરાતનું પાટનગરઃઅમદાવાદ) લખનાર રત્નમણિરાવ ભીમરાવ જોટેએ મગનલાલ શેઠને અંજલિ આપતાં લખ્યું હતું,‘અહીં એમની નોંધ લીધા વગર ચાલે તેમ નથી...આ ગ્રંથમાં એમનો ઘણો આધાર લીધો છે. મરેઠા સમયના છેવટના ભાગનો તથા અંગ્રેજી સમયની શરૂઆતનો એમણે લખેલો ઇતિહાસ ઘણે ભાગે વિશ્વસનીય છે.’

મગનલાલ શેઠના વારસદારોેને થોડા દાયકા પછી અમદાવાદ છોડીને દક્ષિણ ભારતમાં વસવું પડ્યું. તેમનાં પ્રપૌત્રી અને વયોવૃદ્ધ ડોક્ટર વિશાખાબહેન શાહના જણાવ્યા પ્રમાણે, મગનલાલ શેઠના વારસદારોને ઠીકઠીક આર્થિક હાડમારી પણ વેઠવી પડી હતી. પરંતુ વર્નાક્યુલર સોસાયટીએ મગનલાલ શેઠના પુસ્તકનું પુનઃમુદ્રણ કરતાં તે ફરી ઉપલબ્ધ બન્યું છે અને આજે પણ તે (જૂની ભાષાને બાદ કરતાં) એટલું જ પ્રભાવશાળી લાગે છે.

વલ્લભભાઇઃદેશની સરદારીનો આરંભ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદેથી
ગાંધીજી માટે નેલ્સન મેન્ડેલાએ કહ્યું હતું કે ‘તમે (ભારતે) અમને બેરિસ્ટર ગાંધી આપ્યા અને અમે તમને મહાત્મા ગાંધી પાછા આપ્યા.’ એવું જ સરદાર માટે અમદાવાદ કહી શકે એમ છે. ફોજદારી વકીલ એવા સરદારના ગાંધીજીના સાથેના સંપર્ક અને જાહેર જીવનનો આરંભ અમદાવાદથી થયો. ૧૯૧૭માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના દરિયાપુર વોર્ડની પેટાચૂંટણીમાં ઉમેદવારીથી સરદારની જાહેર કારકિર્દીનો પ્રારંભ થયો અને ૧૯૨૮માં એ જ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદેથી રાજીનામું આપીને તેમણે બારડોલી સત્યાગ્રહનું સુકાન સંભાળવા માટે બારડોલીની દિશા લીધી.

પહેલી જ (પેટા)ચૂંટણીમાં વલ્લભભાઇનો વિજય એક મતથી થયો અને તે પણ અદાલતમાં રદ ઠર્યો. ત્યાર પછી નવેસરથી થયેલી પેટાચૂંટણીમાં વલ્લભભાઇને હંફાવનાર બેરિસ્ટર નરમાવાળા કોઇ કારણસર ખસી ગયા હતા. એટલે વલ્લભભાઇનો બિનહરીફ વિજય થયો. અમદાવાદમાં જ ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી, પહેલાં તેમની હાંસી ઉડાવનાર વલ્લભભાઇ તેમના અંતેવાસી બન્યા. તેમની વૈભવી જીવનશૈલીમાં પણ પરિવર્તન આવ્યું.

અમદાવાદમાં વલ્લભભાઇની કારકિર્દી વિશે સંશોધન કરનાર ડો.રિઝવાન કાદરીએ નોંઘ્યા પ્રમાણે, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સક્રિય કામગીરી ઉપરાંત વલ્લભભાઇએ ટપાલીઓના પ્રશ્નોમાં રસ લઇને તેમનું યુનિયન રચ્યું. ટપાલીઓએ વલ્લભભાઇની આગેવાની હેઠળ હડતાળ પાડી. સરકારે વટમાં ને વટમાં પોલીસચોકી પરથી ટપાલો વહેંચવાની વ્યવસ્થા ગોઠવી. પણ ટૂંક સમયમાં અંધાઘુંધી સર્જાતાં થોડા દિવસ પછી સરકારને ટપાલીઓ સાથે સમાધાન કરવું પડ્યું. અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડનમાં લોકમાન્ય ટિળકની પ્રતિમા મૂકવા માટે પણ સરદારે ઝુંબેશ ચલાવી અને આખરે તે પ્રતિમા મૂકાવીને જંપ્યા. ૧૯૨૧માં અમદાવાદમાં કોંગ્રેસનું વાર્ષિક અધિવેશન યોજાયું ત્યારે વલ્લભભાઇ સ્વાગત અઘ્યક્ષ હતા.

૧૯૨૪માં તે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. અગાઉ અંગ્રેજીમાં ચાલતો મ્યુનિસિપાલિટીનો વહીવટ વલ્લભભાઇએ પ્રમુખ થયા પછી ગુજરાતીમાં શરૂ કરાવ્યો. તેમના જ પ્રમુખપદ હેઠળ અમદાવાદમાં ટેલિફોન સેવાની શરૂઆત થઇ. અમદાવાદની વધતી વસ્તીને ઘ્યાનમાં રાખીને સરદારે (હાલ ગાંધી રોડ તરીકે ઓળખાતા) રીચી રોડનું આયોજન કર્યું હતું, જે રાજકીય વિરોધને કારણે શક્ય બન્યું નહીં. વલ્લભભાઇના પ્રમુખપદ હેઠળ જ વાડીલાલ સારાભાઇ હોસ્પિટલનું આયોજન અને તેને લગતી કાર્યવાહી શરૂ થયાં હતાં (જે કામ આખરે ૧૯૩૧માં પૂરૂં થયું.)

અમદાવાદ મ્યુનિસિપાલિટીના ઇતિહાસમાં પ્રમુખ વલ્લભભાઇએ ચલાવેલી સફાઇઝુંબેશ યાદગાર સ્થાન ધરાવે છે. ડો.રિઝવાન કાદરીએ ટાંકેલા અહેવાલ પ્રમાણે, સરદારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરને વાળવાનું કામ ૫ સપ્ટેમ્બર, ૧૯૨૫થી ૧૭ એપ્રિલ, ૧૯૨૬ સુધી (કુલ ૨૨૨ દિવસ) ચાલ્યું. આશરે પોણા ત્રણ લાખની વસ્તી ધરાવતું શહેર પોળો, રસ્તા, ખાનગી ચાલીઓ વગેરે મળીને કુલ ૧,૫૦૦ ભાગમાં વહેંચાયેલું હતું. પોળો ખૂણેખાંચરેથી ઘસીઘસીને સાફ કરવામાં આવી. કચરાના ઢગ ખસેડાયા, મેલાં પાણી ઉલેચાયાં, જાજરૂ, ગરનાળાં, છીંડી વગેરે સાફ કરીને તેમને જંતુમુક્ત કરવામાં અવ્યાં. કુલ ૨ લાખ મણ જેટલો કચરો કાઢવામાં આવ્યો. ૫૫૦ સફાઇ કામદાર, ૨૪ સબ ઇન્સ્પેક્ટર અને ૧૪ સેનેટરી ઇન્સ્પેક્ટર રોજ છ-સાત પોળનું કામ પૂરૂં કરતા હતા.

૧૯૨૭માં ગુજરાતમાં ભારે પૂર આવ્યું ત્યારે વલ્લભભાઇએ કુશળતાપૂર્વક રાહતકાર્યોનું આયોજન કર્યું. ૧૯૨૭માં જ વલ્લભભાઇ ફરી પ્રમુખ તરીકે ચૂંટાયા, પરંતુ ચીફ ઓફિસરની નિમણૂંકના મુદ્દે મતભેદ થતાં તેમણે ૧૯૨૮માં પ્રમુખપદેથી રાજીનામું આપ્યું અને ટૂંક સમયમાં બારડોલી સત્યાગ્રહની સરદારી લઇને આખા દેશના ‘સરદાર’ બન્યા.


જો અમદાવાદ મને સંઘરશે તો હું અહીં જ રહેવા માગું છું ઃ ગાંધીજી
દક્ષિણ આફ્રિકા છોડીને સ્વદેશ પાછા ફરેલા સત્યાગ્રહી ગાંધીજી પાસે કામ શરૂ કરવાના ઘણા વિકલ્પ હતા. આફ્રિકામાં ફિનિક્સ આશ્રમ અને ટોલ્સ્ટોય વસાહતના પ્રયોગ કરી ચૂકેલા ગાંધીજી ભારતમાં એ જ તરાહ પર શરૂઆત કરવા ઇચ્છતા હતા. ભારત આવેલી ‘મિસ્ટર ગાંધી’ સાથે કેટલાક આશ્રમવાસીઓ પણ હતા, જેમને ક્યાં સમાવવા એ વિચારવાનું હતું. કાંગડી ગુરૂકુળ અને રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતન સાથે ગાંધીજીની વિચારસરણીનો પૂરેપૂરો મેળ પડે એમ ન હતો.

આગળ જતાં સ્વામી શ્રદ્ધાનંદ તરીકે જાણીતા થયેલા મહાત્મા મુન્શીરામ ઇચ્છતા હતા કે ગાંધીજી હરદ્વારમાં સ્થાયી થાય. ‘ગાંધીજીની ફૂલવાડી’માં ચંદુલાલ દલાલે નોંઘ્યું છે કે કલકત્તાના કેટલાક લોકોએ ગાંધીજીને બિહારમાં આવેલા વૈદ્યનાથધામમાં વસવા સૂચવ્યું હતું. પણ ગાંધીજી માનતા હતા કે કાયમી વસવાટ અને દેશસેવા માટે આશ્રમ જેવી સંસ્થા હોવી જોઇએ અને તેની શરૂઆત ગુજરાતથી થવી જોઇએ.

ગુજરાતમાં પણ દેશી રજવાડાં તરફથી ગાંધીજીને આમંત્રણો અપાયાં હતાં, પણ દેશી રાજ્યો પોતે બ્રિટિશ સરકારનાં ખંડિયાં હોવાથી ત્યાં વસવાનો ગાંધીજી માટે સવાલ ન હતો. રાજકોટના લાખાજીરાજે તેમને જગ્યા આપવાની તૈયારી બતાવી ત્યારે ગાંધીજીએ કહ્યું હતું,‘આપ કહો છો તેમ કરૂં તો એ સ્ટેટને જ ભારે પડશે.’

આખરે સૌરાષ્ટ્રમાં ફરીને ૧-૨-૧૯૧૫ની સાંજે (દિનવારીની નોંધ પ્રમાણે) ગાંધીજી અમદાવાદ આવ્યા. અમદાવાદમાં ૫૩ વર્ષના શેઠ (અને જેમની સ્મૃતિ પરથી ટાઉનહોલનું નામકરણ કરવામાં આવ્યું છે તે ) મંગળદાસ ગિરધરલાલ તથા ૨૬ વર્ષના અંબાલાલ સારાભાઇ ગાંધીજી પ્રત્યે આદર ધરાવતા હતા. અમદાવાદની પહેલી મુલાકાત વખતે ગાંધીજીનો ઉતારો શેઠ મંગળદાસને ત્યાં રાખવામાં આવ્યો. બીજા દિવસે અગ્રણીઓ સાથેની ચર્ચા અને ચિનુભાઇ બેરોનેટના પ્રમુખપદે ગાંધીજીને માનપત્ર આપવાના સમારંભમાં ગાંધીજીએ કહ્યું, ‘જો અમદાવાદ મને સંઘરશે તો હું અહીં જ રહેવા માગું છું.’

૩ ફેબુ્રઆરીના રોજ ગાંધીજી આશ્રમ માટે એક જમીન જોઇ આવ્યા. બીજી દિવસે તે અમદાવાદથી મુંબઇ જતા હતા ત્યારે શેઠ મંગળદાસે તેમને કહ્યું,‘આશ્રમ અમદાવાદમાં કરવાનો છે એ ભૂલવાનું નથી.’ અમદાવાદ છોડ્યા પછી પણ ગાંધીજી અને શેઠ મંગળદાસ વચ્ચે આશ્રમ અંગે પત્રવ્યવહાર ચાલુ રહ્યો. આશ્રમ અંગે અમદાવાદી શેઠોએ શું નિર્ણય લીધો એ જાણવા માટે ગાંધીજીએ પોતાના સાથીદાર અને દક્ષિણ આફ્રિકામાં આશ્રમનું સંચાલન કરી ચૂકેલા મગનલાલ ગાંધીને અમદાવાદ મોકલ્યા.

તેમને શેઠોએ રૂપિયાપૈસાની જરૂરિયાતથી માંડીને મૂળભૂત સિદ્ધાંતોને લગતા સવાલો પણ પૂછ્યા. અંબાલાલ સારાભાઇએ મગનલાલને એવું પણ પૂછ્યું કે ‘ફિનિક્સમાં મિ.ગાંધીએ લગભગ એક લાખ રૂપિયો ખરચ્યો અને હાલ ત્યાં પાંચસાત જણ મિ.ગાંધીના વિચાર પ્રમાણે અરધો વખત ખેતી કરે છે અને બાકી છાપું ચલાવે છે. તેથી પ્રજાને શું ફાયદો થયો? અને થશે?’

સવાલજવાબ થઇ ગયા પછી અંબાલાલે કહ્યું,‘શેઠ મંગળદાસ મારફત કામ લેશો તો ફળૂભૂત થવાશે. હું તો બનતી મદદ આપવા તૈયાર છું.’ ગાંધીજીની મૂળ દરખાસ્ત એવી હતી કે અમદાવાદના લોકો તેમને જમીન અને મકાન આપે. બાકીનું ખર્ચ ગાંધીજી પોતાની રીતે મેળવી લે. પણ મગનલાલ સાથે શેઠ મંગળદાસે એવી ગોઠવણ નક્કી કરી કે પહેલાં ગાંધીજી એક વર્ષ (અખતરા પૂરતું) અમદાવાદ રહે અને તેમનો સઘળો આર્થિક બોજો અમદાવાદ ઉપાડે.

૧૧ મે, ૧૯૧૫ના રોજ ગાંધીજી કોચરબમાં આવેલો જીવણલાલ બેરિસ્ટરની માલિકીનો બંગલો જોવા ગયા. એ બંગલો તેમને ભાડેથી અપાવાનો હતો. ૨૦ મેના રોજ ગાંધીજીએ (ગાંધી)ટોપી પહેરીને આશ્રમનું વાસ્તુકર્યું અને બે દિવસ પછી ત્યાં રહેવા ગયા. દરમિયાન ફિનિક્સ આશ્રમના લોકો પણ આવી પહોંચતાં, દિનવારીની નોંધ પ્રમાણે, ૨૫ મે, ૧૯૧૫ના રોજ આશ્રમની વિધિવત્ સ્થાપના થઇ. એ વખતે આશ્રમના નામ માટે ત્રણ વિકલ્પો હતાઃ સત્યાગ્રહાશ્રમ, દેશસેવાશ્રમ અને સેવામંદિર.

ટૂંક સમયમાં જ ગાંધીજીએ આશ્રમમાં એક દલિત કુટુંબને દાખલ કરતાં ઘણા શેઠલોકો તરફથી મદદ મળતી બંધ થઇ ગઇ. આશ્રમવાસીઓની પણ જુદી જુદી રીતે સતામણી થવા લાગી. એક વખત એવો આવ્યો કે પૈસા સાવ ખૂટી પડ્યા. ગાંધીજીએ વિચાર્યું કે મકાન ખાલી કરીને દલિત મહોલ્લામાં જઇને રહેવું. એ વખતે અંબાલાલ સારાભાઇએ રૂ.૧૩ હજાર રોકડા ગાંધીજીને આપતાં એક વર્ષની ખર્ચીનો પ્રશ્ન ટળી ગયો. ત્યાર પછી ભાડાનું મકાન ખાલી કરીને સાબરમતી આશ્રમ માટેની જમીન શોધી કાઢવામાં આવી. ડિસેમ્બર ૧૯૧૬થી મે, ૧૯૧૭ સુધીમાં સાબરમતી આશ્રમની જમીનનો દસ્તાવેજ અને તેની નોંધણી પૂરી થઇ.

સવાલ એ આવ્યો કે આશ્રમમાં મકાનો કેવાં બાંધવાં? ગાંધીજી કાચાં ઝૂંપડા બાંધવાના મતના હતા, જ્યારે તેમના સાથીદાર ઠક્કરબાપા અગાઉ વ્યવસાયે એન્જિનિયર હતા. તેમણે પાકાં મકાન બાંધવાનો અભિપ્રાય આપ્યો. ઠક્કરબાપાની દલીલ હતી કે કાચાં મકાનમાં વારંવાર સમારકામ કરાવવું પડે, એટલે પાકાં મકાન સરવાળે સસ્તાં પડે છે. છેવટે ગાંધીજીએ પણ પાકાં મકાન બનાવવાનું સ્વીકાર્યું. એ રીતે સાબરમતી આશ્રમની સ્થાપના થઇ. ત્યાર પછી દાંડીકૂચ અને સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછા નહીં આવવાની ગાંધીજીની પ્રતિજ્ઞા સુધીનો ઇતિહાસ બહુ જાણીતો છે.

No comments: