Friday, February 26, 2010

ચાલો ‘બ્રાન્ડ અમદાવાદ’ ડેવલપ કરીએ

જ્યાં લોકો રૂપિયાના ત્રણ અડધા શોધતા હોય ત્યાંની
‘બ્રાન્ડ કરન્સી’ તો કેવી ગજબની હોય ?

જમાનો બ્રાન્ડનો છે. ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર ભલે અમિતાભ બચ્ચન બનવાના હોય છતાં ‘બ્રાન્ડ ગુજરાત’ તો મોદી સાહેબની જ કહેવાય !

એ જ રીતે અમદાવાદની આગવી ‘બ્રાન્ડ’ ઊભી કરવા માટે અહીંની અનેક વસ્તુઓને હાઇલાઇટ કરવાની જરૂર છે. આ બધી બ્રાન્ડોને ફરતી રાખીશું તો એમાંથી જ એક ‘બ્રાન્ડ અમદાવાદ’ ઊભી થશે ઃ જેમ કે, ‘બ્રાન્ડ પોષાક’, ‘બ્રાન્ડ ફૂડ’, ‘બ્રાન્ડ કરન્સી’... વગેરે.

તો, સૌથી પહેલા આપણે એક ‘બ્રાન્ડ સિમ્બોલ’ જોઈશે. ‘અમદાવાદનો બ્રાન્ડ સિમ્બોલ’

જે રીતે ભારતના ટુરિઝમ વિભાગે મોરનો સિમ્બોલ બનાવડાવ્યો છે. એ રીતે અમદાવાદનો બ્રાન્ડ સિમ્બોલ કયો ?

અમારા હિસાબે તો અમદાવાદની ઓરીજીનલ ચ્હા ‘વાઘ-બકરી’નો સિમ્બોલ બહુ જ ફીટીંગ છે ! યાર, એક જ ચ્હાના પ્યાલામાંથી વાઘ જેવો વાઘ બકરી સાથે અડધી- અડધી ચ્હા પીતો હોય એવું અમદાવાદ સિવાય ક્યાં બને ?

અમદાવાદનો ‘બ્રાન્ડ પહેરવેશ’ તમને ખબર છે. પૂનામાં બોમ્બ ધડાકા થયા પછી ત્યાંની પોલીસે મહિલાઓને સ્કુટર પર દુપટ્ટાનો બુરખો પહેરવાની મનાઈ ફરમાવી છે, એ બુરખાની ઓરીજીનલ ડિઝાઇન ક્યાંથી આવી ?
અફકોર્સ, અમદાવાદમાંથી !
ભરઉનાળે ચહેરા પર બુકાની અને હાથમાં મોજા પહેરીને નીકળી પડતી અમદાવાદી છોકરીઓનો આ બ્રાન્ડ પહેરવેશ હવે બારે મહિનાનો મોસ્ટ ફેવરિટ પહેરવેશ થઈ ગયો છે. તો યાર, એ બુકાનીને જ ‘બ્રાન્ડ કોસ્ચ્યુમ’ તરીકે રાખો ને !
અમદાવાદનું ‘બ્રાન્ડ ફૂડ’
અનેક છે ! ખાડાના દાળવડાં, દાસનાં ખમણ, નવતાડના સમોસા, નાગરની ચોળાફળી, અશોકના પાન, દેરાણી- જેઠાણીના આઇસક્રીમ, જૈન ખાખરા, જૈન પિઝા... પણ અમદાવાદનું ‘બ્રાન્ડ ફૂડ’ બનવાને લાયક એક જ ચીજ છે ઃ પપૈયાની છીણેલી ચટણી !
- કારણ કે એ ‘ફ્રી’ છે !
અમદાવાદનું ‘બ્રાન્ડ સોન્ગ’
સોન્ગ પણ ઘણાં છે ઃ ‘અમે અમદાવાદી... અમે અમદાવાદી... જેનું પાણી તાણી લાવ્યું ભારતની આઝાદી...’ પણ લોચો એક જ છે સાબરમતીમાં નર્મદાનું પાણી ભરવું પડે છે !
હા, પેલું સારું છે ‘જબ કૂત્તે પર સસ્સા આયા, તબ બાદશાહને શહર બસાયા...’ (પછી જબ સસ્સે કો બચ્ચા આયા તબ બાદશાહને કહા, લો બોનસ શેર આયા !)
એમ તો પેલું પણ સારું છે ઃ ‘અમદાવાદી હરામજાદી, બૈરી વેચી ખીચડી ખાધી...’ (પછી ખિચડી તો સાવ વાસી હતી, એમ કહીને અમદાવાદી બૈરી પાછી લઈ આવ્યો !)
પણ બેસ્ટ ‘બ્રાન્ડ સોન્ગ’ આ છે ઃ ‘સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ !’ કારણ કે દારૂબંધી હોવા છતાં ગાંધીજીના જ કેટલાક ભક્તોને ગમે ત્યાંથી સોમરસ પહોંચી જાય છે !
અમદાવાદનું ‘બ્રાન્ડ વ્હિકલ’
એક ચોઇસ રીક્ષાનાં શટલિયાંનો છે... પાછળની ત્રણની સીટ ઉપર ચાર બેઠા હોય, ડ્રાઇવરની આજુબાજુ બબ્બે બેઠા હોય, દાંડા ઉપર બે-ત્રણ ટેણિયા બેઠાં હોય અને એક હેલ્પર ઊભો ઊભો બૂમો પાડતો હોય ઃ ‘ચલો ચલો... ઘાટલોડિયા... ઘાટલોડિયા...’
બીજો એક ચોઇસ બજાજના ઠાઠિયાં સ્કુટરનો છે ઃ સ્ટાર્ટ કરતા પહેલાં વાંકુ વાળીને નમાવવાનું, માત્ર પા ભાગની સીટ પર ત્રાંસા બેસવાનું, અને બેઠાં બેઠાં જ કીકો મારીને સ્ટાર્ટ કરી ‘ખટ્ટાક’ કરતું સ્ટેન્ડ પરથી નીચે કૂદાવવાનું ! અને ફેમિલી જોડે હોય તો મહાકાય પત્ની, પ્લસ ત્રણ ટેણિયાં, પ્લસ છ સાત શોપિંગ બેગો, પ્લસ લો-ગાર્ડન પરથી લીધેલા ફુગ્ગા...
પણ બેસ્ટ ચોઇસ બીઆરટીએસની બસ છે ! શા માટે ? કારણ કે અમદાવાદીની જેમ જ એના ખિસ્સા ખાલી અને ભભકા ભારી છે !
અમદાવાદની ‘બ્રાન્ડ કરન્સી’
જ્યાં લોકો રૂપિયાના ત્રણ અડધા શોધતા હોય ત્યાંની ‘બ્રાન્ડ કરન્સી’ તો કેવી ગજબની હોય ?
‘બ્રાન્ડ કરન્સી’નો બેસ્ટ નમૂનો છે ઃ એએમટીએસની મનપસંદ પ્રવાસની ૨૦ વાળી ટિકિટ ! સિટી બસનો કંડક્ટર ટિકીટમાં પંચ કરતા પહેલા કાકીને પૂછે છે ઃ ‘બેન, ઉંમર કેટલી ?’ કાકી કહે છે, ‘પંચાવન રાખો ને !’ કન્ડક્ટર હસે છે, ‘કેમ આજે સાચી ઉંમર બોલ્યા ?’ કાકી કહે છે, ‘એ તો મારા મમ્મી આ જ ટિકીટ લઈને પાછાં આવવાનાં ને, એટલે !’
વીસ રૂપિયાની એક ટિકીટને મિનિમમ પાંચ જણા મનફાવે ત્યાં ફરીને વસૂલ ના કરી શકે તો એ ‘મનપસંદ પ્રવાસ’ થોડો કહેવાય ?
અમદાવાદનો ‘બ્રાન્ડ એમ્બેસેડર’
અમદાવાદમાં ફેમસ માણસો ઘણાં છે પણ ગાંધીજી જેવા બ્રાન્ડ એમ્બેસેડર કોઈ નહિ, કારણ કે માત્ર એક ચપટી મીઠું ‘ફ્રી’માં મેળવવા માટે જે માણસ અહીં સાબરમતી આશ્રમથી નીકળી ત્રીસ દહાડા સુધી છેક દાંડી લગી ‘ચાલતો’ જાય, એનાથી પાક્કો અમદાવાદી બીજો કોણ હોઈ શકે ?

No comments: